ઈ.સ. ૧૯૦૭ ના વર્ષમાં હિંદુ અબળા નારીઓ, વિધવાઓ, ત્યકતાઓ હોય એવી સ્ત્રીઓ સ્વાશ્રયી થાય, ગૌરવભર્યું જીવન જીવી શકે એ માટે સુરતની બે યુવાન વયે વિધવા પુણ્યકીર્તિ ધરાવતી બહેનો શ્રીમતી બાજીગૌરી બહેન મુનશી અને શ્રીમતી શિવગૌરી બહેન ગજ્જરે એક ક્રાંતિકારી અને કલ્યાણકારી પગલું ભર્યું અને સને ૧૯૦૭, ૧૫ મે, સંવત ૧૯૬૩ ના વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ) ના મંગળ દિવસે વિધવા, ત્યકતા અને નિરાધાર બહેનો માટે એક આશ્રયસ્થાનની સ્થાપના કરી તેને ‘વનિતા વિશ્રામ’ નામ આપ્યુ. આ પ્રમાણે વનિતા વિશ્રામનું બીજ રોપાયું.

વનિતા વિશ્રામ સંસ્થામાં સ્થાપનાકાળથી સેવા આપતા અને સંસ્થાને પોતાનું જીવન સમર્પિત કરનાર શ્રીમતી પાર્વતીબેન દેસાઈના નામથી પૂર્વ પ્રાથમિક શાળા –બાલ વિહારની ઈ.સ. ૧૯૭૭માં સ્થાપના કરવામાં આવી અને શ્રીમતી પાર્વતીબેન બાલ વિહાર નામ રાખવામાં આવ્યું. શરૂઆતમાં ફક્ત નર્સરીના બે વર્ગો – એક ગુજરાતી માધ્યમ અને એક અંગ્રેજી માધ્યમના શરૂ કરવામાં આવ્યા અને વર્ષો વર્ષ વર્ગોમાં વધારો કરવામાં આવ્યો. ઈ.સ. ૧૯૮૬ થી શાળાનું “શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ” નામકરણ કરવામાં આવ્યું હતું. શાળા બે પાળીમાં ચાલે છે. સવાર પાળીમાં અંગ્રેજી માધ્યમ અને બપોર પાળીમાં ગુજરાતી માધ્યમના વર્ગો ચલાવવામાં આવે છે. ઈ.સ. ૧૯૯૯માં પૂર્વ-પ્રાથિમક શાળાનું એક અલગ નવું મકાન બાંધવામાં આવ્યું. શાળામાં સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવનાર અને અનુભવી શિક્ષિકા બહેનો દ્રારા બાળાઓનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ, તહેવારોની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો વિગેરેનું શિક્ષણને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે.

સત્તાવીશ વિદ્યાર્થીનીઓથી શરૂ થયેલી શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ વનિતા વિશ્રામમાં આજે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની કુલ ૯૫૦ વિદ્યાર્થીનીઓ શિક્ષણ મેળવે છે.